શાંતિ મંત્રણા વચ્ચે ભડક્યું ગલ્ફ ,ફરી તંગદિલી
અમેરિકાનો કેશ્મ ટાપુ પર હુમલો,જવાબમાં ઈરાને કુવૈત-બહેરીન તરફ મિસાઇલ દાગી
અમેરિકાએ ઈરાની ડ્રોન અને મિસાઇલ હુમલા નિષ્ફળ ગણાવ્યા
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણા વચ્ચે ગલ્ફ વિસ્તારમાં ફરી તંગદિલી વધી છે. અમેરિકી સેનાએ ઈરાનના વ્યૂહાત્મક કેશ્મ ટાપુ પર ‘સેલ્ફ-ડિફેન્સ’ કાર્યવાહી હેઠળ હુમલા કર્યા હોવાનું જણાવ્યું છે, જ્યારે તેના જવાબમાં ઈરાને કુવૈત અને બહેરીન તરફ મિસાઇલ હુમલાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ)એ તમામ હુમલાઓ નિષ્ફળ ગયાનો દાવો કર્યો છે.
સેન્ટકોમના જણાવ્યા અનુસાર ઈરાને ગલ્ફ ક્ષેત્રના દેશોને નિશાન બનાવી અનેક બેલિસ્ટિક મિસાઇલ દાગી હતી. તેમાં કુવૈત તરફ છોડાયેલી બે મિસાઇલ રસ્તામાં જ તૂટી પડી હતી અથવા લક્ષ્ય સુધી પહોંચી શકી નહોતી, જ્યારે બહેરીન તરફ છોડાયેલી ત્રણ મિસાઇલને અમેરિકી અને બહેરીનની એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તરત જ તોડી પાડવામાં આવી હતી. ઉપરાંત પ્રાદેશિક જળમાર્ગમાંથી પસાર થતા નાગરિક જહાજોને નિશાન બનાવી મોકલાયેલા ત્રણ ડ્રોન પણ અમેરિકાએ ઠાર માર્યાનો દાવો કર્યો હતો.
આ પણ વાંચો: ટ્રમ્પ ફરી મેદાનમાં, ભારત સહિત 60 અર્થતંત્રો પર નવા ટેરિફ વોરના ટકોરા
બીજી તરફ ઈરાનની રેવોલ્યુશનરી ગાર્ડ્સે સરકારી સમાચાર એજન્સી મારફતે દાવો કર્યો કે બહેરીનમાં આવેલી અમેરિકી નૌકાદળની ફિફ્થ ફ્લીટ તથા અન્ય સૈન્ય મથકોને નિશાન બનાવાયા હતા. જોકે સેન્ટકોમે આ દાવાને “સંપૂર્ણ ખોટો” ગણાવી કહ્યું કે અમેરિકી દળો સામેના તમામ હુમલા નિષ્ફળ રહ્યા છે.
લેબેનોન પરના હુમલાથી વાતાવરણ ડહોળાયું
ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે 8 એપ્રિલથી યુદ્ધવિરામ અમલમાં છે, છતાં સ્થાયી સમાધાન માટેની વાતચીત હજી સુધી સફળ રહી નથી. આ દરમિયાન લેબનોનમાં ઇઝરાયલની વધતી સૈન્ય કાર્યવાહીથી પણ તણાવ વધ્યો છે. અમેરિકાએ ઈરાન પર લગાવેલા નૌકાબંધીના ભંગનો પ્રયાસ કરનાર વધુ એક જહાજને પણ રોકી દીધું હોવાનું જણાવ્યું છે. શાંતિ ચર્ચાઓ ચાલુ હોવા છતાં બંને દેશો વચ્ચેના સૈન્ય અથડામણો યથાવત રહેતાં સમગ્ર ગલ્ફ વિસ્તારમાં ફરી અસ્થિરતા અને યુદ્ધના ભયનું વાતાવરણ ઊભું થયું છે.
